“મોજ v/s આનંદ”, પાર્ટ-2:
“પરમાનંદમ્”
પાર્ટ 1 – "મોજ- એ- દરિયા" માં આપણે ઘણી
મોજ કરી. જો એ મોજ થી વંચિત હોવ તો પેહલા એને વાંચી લો. ત્યાં સુધી આ પાર્ટ-2 સાથે
જોડાણ નહીં થાય.
લિન્ક: https://www.facebook.com/share/p/19udPFDRRB/
મોજ ની પરાકાષ્ઠાના વર્ણન પર બનાવેલ વિડીયો: https://youtu.be/xybbi5LkEF8
***
મોજ ના દરિયા માં ડૂબકી લગાવ્યા બાદ આજે આપણે આનંદના તરંગો માં ભીંજાઈએ. પણ
પહેલા આનંદ શું છે એ આયુર્વેદ પ્રમાણે સાયન્ટિફિકલી જોઈએ.
આપણું સજીવ શરીર પંચમહાભૂત સહિત 24 તત્વનું બનેલું છે પણ સ્થૂળ રૂપે કહીએ તો આપણે 4 તત્વો થી બનેલા છીએ: 1. શરીર
(જે આપણ ને દેખાય છે એ, પાંચ મહાભૂત નું બનેલું), 2. ઇન્દ્રિય
(જ્ઞાનેન્દ્રિય (કાન, આંખ, જિહવા વગેરે) અને કર્મેન્દ્રિય(હાથ, પગ વગેરે)), 3. સત્વ (મન) અને 4. આત્મા(આના
વિષે તો બધા થોડું ઘણું જાણતા જ હોય છે). આ ચારેય તત્વો ભેગા હોય ત્યાં સુધી જીવીએ નહીં તો...
આનંદ ને માણવા આને થોડું વધુ ઊંડાઈ થી જાણીએ
*
૧. આમાં “આત્મા” મુખ્ય છે. રાજા છે, ગ્રેટ છે, એ શાંત છે, ખાલી જોયા કરે છે, પરમતત્વની ચાહમાં કર્મોને addition subtraction કરે છે...
પણ આ બધાની સાથે સારું આયુષ્ય પણ ભોગવાનું છે, તો જ ધર્મ, અર્થ, કામ અને
મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થ ની પ્રાપ્તિ શક્ય છે. પણ આત્માનું અલ્ટિમેટ ગોલ પર જ ફોકસ છે આથી
*
૨. આત્મા ને જીવનવ્યાપારના તુચ્છ કામો માટે એક વજીર આપવામાં આવ્યો એ “મન”. જેનું કામ વિચારવાનું, મનન કરવાનું, તર્ક કરવાનું જેવા
લોજીકલ કામ કરવાના છે. અને પોતાના થી નીચેના બધાનું સંચાલન કરવાનું છે.
*
૩. મનને જ્ઞાન કરાવવા અને કામ કરવા માટે સેન્સિસ આપવામાં આવી છે જે ને “ઇન્દ્રિય”
કહેવાય.. જેમાં જ્ઞાનેન્દ્રિય(કર્ણ, ત્વચા, ચક્ષુ, જિહવા, નાક) મનને જ્ઞાન કરાવે
છે, તર્ક માટે વિષયો આપે છે. કર્મેન્દ્રિય મનના આદેશ પ્રમાણે શરીર પાસે જીવન
વ્યાપાર ના કામ કરાવે છે..
છેલ્લે
*
૪. “શરીર”, તેને સ્વતંત્ર બુદ્ધિ નથી. Its a programmed machine.. તેણે ઉપર ની હાયર ઓથોરિટી ના આદેશ અને
પ્રોગ્રામીંગ પ્રમાણે અને પોતાની SOP(Standard Operating Procedure) છે,
એ પ્રમાણે કામ કરવાનું છે. જો કે એનો પ્રોગ્રામિંગ આપણે થોડા ઘણા અંશે બદલી શકીએ
છીએ.
*
આમાં ચડતા ક્રમમાં તત્વની હેન્ડલ કરવાની ક્ષમતા વધુ છે એટલે કે નોર્મલ કેસમાં
શરીર < ઇન્દ્રિય < મન < આત્મા આ રીતે
થવું જોઈએ.
પણ આ રાજા રૂપી આત્મા ને વ્યવહાર
રૂપી રાજ ચલાવવા ઉપરાંત એનાથી પણ મહત્વના કામ, જેમ કે જન્મ નો હેતુ શું છે?
પૂર્વકૃત સંચિત કર્મો કેટલા છે? કઈ રીતે કર્મક્ષય કરવાનો છે? કર્મબંધન માં જોડાયા
વિના આ જન્મના કર્મ કેમ કરવા? બંધન થી મોક્ષ ની ગતિ કઈ છે? વગેરે છે. આ બધા ને પાર કરવા મદદ માટે જ મન, ઇન્દ્રિયો અને શરીરની કુદરતી
વ્યવસ્થા છે.
*
આમ જ્યારે રાજા રૂપી આત્માને
જ્યારે અન્ય કામોમાં વ્યસ્ત હોય ને વ્યવહાર ના કામો માં બહુ ઇન્ટરેસ્ટ ના હોય કે
તો વજીર રૂપી મનને મોટાભાગનો કંટ્રોલ મળે છે.. જો કોઈ ત્રીજો પુરુષ આ સિસ્ટમ થી
અજાણ હોય અને “આત્મા” જાણતો ના હોય તો એને એમ જ લાગે કે મન રાજા છે. (આ ત્રીજો
પુરુષ આપણી જાત માટે આપણે પોતે જ નથી ને? Capital “I” ની મોટી થયેલી સાઇઝ માં મોટો પ્રવાહ એ જ માને છે કે “હું” એટલે મન/મગજ !!)
*
હવે મન અને તેના માણસો એટલે કે ઈન્દ્રિયો ના હાથમાં મોટાભાગનો કંટ્રોલ છે
એવી સ્થિતિમાં મન અને ઇન્દ્રિયો એને લગતા વિષયોમાં ઈચ્છાઓ કરાવે, અને વિષય ગ્રહણ માં લોલુપતા કરાવે (જુઓ પાર્ટ 1:
મોજ -એ-દરિયા). જો ઇચ્છાપૂર્તિ થાય તો
ક્ષણિક સુખ નો અનુભવ, ના થાય તો
લાંબુ દુ:ખ. ઇચ્છાપૂર્તિ- ક્ષણિક સુખ પણ અંત તો નથી જ કારણ કે તરત બીજી
ઈચ્છા ઊભી જ હોય.
*
આમ, મજા= મન(ઈચ્છાઓ/લાલચ/લોભ/ + ઈન્દ્રીય(વિષયોમાં) + શરીર(દુરુપયોગ)
*
જ્યારે તમે વજીર-મન અને એના માણસોને અવગણો તો તમને રાજા(આત્મા)નું અસ્તિત્વ, રાજાની મહાનતા અને સત્તાનો ખ્યાલ આવે..
“આત્માના અસ્તિત્વ નું ભાન જ આનંદદાયક છે...”
*
આમ, આનંદ = આત્મા + મન(સત્વ ગુણ- તટસ્થ ભાવ) + ઇંદ્રિયવિજય + (શરીર)
*
બહુ અઘરું થઈ ગયું? No problem.
આનંદ જાણવાની નહીં માણવાની અનુભૂતિ
છે, તો હાલો થોડો આનંદ માણીએ.
***
મોબાઈલ વગર સનસેટ પોઇન્ટની સાંજ,
મનમાં કોઈ બાકી કામ નહીં..
કોઈ ફોટા પાડવાનો ટાર્ગેટ નહીં...
સૂરજના ચક્ર ને કૃતજ્ઞતા થી જોવો..
આખો સનસેટ શાંતિથી નિહાળો… આનંદ...
***
31મી તારીખ છે, પગાર આવ્યો નથી, પૈસા છે નહિ. તોય આવશ્યકતા આવી પડતાં પાકીટમાં સંતાડેલી નોટથી કોઈની મદદ કરવી ને એના દિલની
દુઆ લેવી.. પછી અંદરથી ઈશ્વરના અંશ હોય
એવી ગુરુ ભાવના સાથે મનમાં જે લઘુતા અનુભવાય એ આનંદ....
***
ઘરે વાવેલા પહેલા ટમેટા ના છોડમાં પહેલું ટમેટું આવે એ આનંદ.. અને આ ટમેટું
જ્યારે પાકે અને 1 ટીમેટાની ચાર
ચિરો કરી પરિવારના બધા સદસ્ય ને આપો છે સહિયારો મળે છે એ આનંદ... હાથે ઉગાડેલા
તોડેલા ફળ માં તો શું આવી જતું હશે?
***
ખળખળ વહેતા ઝરણા પાસે પ્રિયતમા સાથે થોડા પગ પાણી માં ડૂબે એ રીતે હાથ માં
હાથ નાખી ને બેઠા છો.
કોઈ વાદ નથી, કોઈ સંવાદ નથી,
વિશ્વાસ ને હયાતી સ્થિર છે ને
સમય અને પાણી બંને વહી રહ્યા છે... આનંદમ ...
***
ખેતરમાં રાત, નરી નવરાશ...
રેલાતી ચાંદની, ખુલ્લુ આકાશ...
ધ્યાન થી સમજો તો એવું જ લાગે કે હજારો પ્રકાશવર્ષ દૂર થી તમને રીચાર્જ કરી
રહ્યું ના હોય!
***
દીકરી એ જાતે બનાવેલી પહેલી રોટલી..
રોટલી ઓછી ને ભારત નો નકશો વધુ.. પણ
બાપ ના આંખ માં જળજાળિયા આવી જાય હો.. 56 ભોગ સાથે માપ લો તો એક રોટલી ભારે નીકળે...
***
અચાનક ઓફિસ થી પાછા ફરતા વિચાર આવવો,
ને તમારે માટીનો માળો લાવવો,
ઘરની બાલકની માં પ્રેમ અને આશા થી લગાડવો,
3 મહિનાની પ્રતિક્ષા પછી એમાં ચકી ચકાનું આગમન થવું..
નવા જન્મેલા ચકુડાઓનું 21 દિવસ તમારું મેહમાન થવું..
સવાર સાંજ તમારું દૂર થી જોવું ને
ચીં ચીં સાંભળવું..
આ હા હા. જીવન કેટલું સરળ છે, એમ વિચારવું..
***
ને આવું તો કેટલુંય છે ..
બાળક નું પહેલી વાર ચાલવું..
ને તમારી દાઢી-વાળથી રમવું...
આકાશ છૂતો, બચપણનો ઝૂલો...
ઘરના બાગમાં જુઓ હસતાં ફૂલો..
લોંગ ડ્રાઈવમાં, બસ હું ને ગાડી...
પરદેશમાં મળી જાય ખીચડી સાદી..
દિલને રાખવા મનનું મારવું..
તને જીતડવા ખુદનું હારવું...
નવી યુવાનીનો એ પહેલો સ્પર્શ..
તમને વખાણતો તમારો આદર્શ..
મહેનતથી ઊભું કરેલું મકાન..
જરૂરિયાતમંદ ને અપાતું દાન..
કુબેરનો ભંડાર, એ પહેલો પગાર..
પ્રસંગોપાત થતો એકત્ર પરિવાર..
યોગ, વ્યાયામ, રમતો ને બાંધવો..
ઉનાળામાં મળે જો લીમડાંનો છાંયડો..
જૂના મિત્રોનો ક્યારેક થતો મેળાવડો...
માનસપટ પર યાદોનો સંગ્રહ કેવડો...
આત્મા તરબોળતું નદીનું સ્નાન..
સાંભળી શકો જો કુદરતનું ગાન...
અહં ને સમજાય જાય જો સ્વદોષ...
જીવવામાં ભળી જાય જો સંતોષ...
ખેડૂતોના હાલ, આ જોઈ ને અબ્દો..
બસ કરું હવે તો ટૂંકા પડશે શબ્દો..
***
આનંદની આટલી જ વાત કરી
છે તો સાથે “આનંદની પરાકાષ્ઠા” પણ માણી
લો...
***
"એક જાતક (=જન્મ લીધેલો જીવ), તમે સવારે 4:30 વાગે ઉઠો છે. શરીર ચિંતન
કરી, રોજ ના કામો પતાવી, તમે
ઘણા વખત થી સિદ્ધ કરેલ આસન - સિદ્ધાસન માં સ્થિત
થાવ છો. હવે 3 વાર અનુલોમ વિલોમ પ્રાણાયામ ને પછી ઊંડા શ્વાસનો અભ્યાસ કરો છે. નીરવ
શાંતિમાં કર્ણોમાં ધીમો અંતર્નાદ છે. હાથ ધ્યાન મુદ્રા માં, દ્રષ્ટિ ભૃકુટિમધ્યે સ્થિત છે ને ધ્યાન શ્વાસો પર કેન્દ્રિત છે.
*
ધીમે ધીમે સહજતા થઈ, શરીર સુખપૂર્વક સ્થિર થઈ ગયું છે, અંગો હવે
અનુભવાતા નથી.. મનમાં શરૂઆતમાં જે વિચારોના બવંડર હતા એ શાંત થઈ રહ્યા છે..
જ્ઞાનેન્દ્રિયો યોગ્ય વિષયો હાજર નથી. કર્ણનાદ પર હવે ધ્યાન નથી.
શ્વાસ પણ હવે ધીરા અને જરૂર પૂરતા થઈ રહ્યા છે. બંધ આંખે જે રંગો ને
ડીજાઇન ફરતી દેખાતી હતી એ હવે
સ્થિર પ્રકાશ બની ગઈ છે.
*
મન વિચાર શૂન્ય અવસ્થામાં આવી ગયું છે. પ્રત્યાહાર ની સ્થિતિ માં ધારણા હવે
ધ્યાન બની ગઈ છે. ધીરે ધીરે શરીર, ઇન્દ્રિયો અને મન ને બાયપાસ કરી હવે તમે માત્ર ઓરીજનલ soul ની અવસ્થા માં છે. સમાધિસ્થ આનંદના મુક્ત તરંગો તમારા આંતરિક વિશ્વ માં ફેલાઈ રહ્યા છે. જ્યારે બાહ્ય વિશ્વ માં
સર્વ જીવો તમોમય નિંદ્રા ની લહેર માં વશ છે.
*
હવે તમારે વિચારવા યોગ્ય કઇ બચ્યું નથી કેમ કે બધા વિચારો તુચ્છ લાગે છે.
હવે કઈ માંગવાનું કશું બચ્યું નથી કારણ કે સકળ ભોગ વિલાસ ક્ષુદ્ર લાગે છે.
હવે સમય નું ભાન નથી કારણ કે કાળ ના ડાઈમેન્શન થી પરે છો
હવે કઈ કામ બચ્યું નથી કારણ કે તમે
મુકામ પર છો.
હવે “હું” અહંકાર બચ્યો નથી, કારણ કે હવે બધુ જ તમે છો.. अहं ब्रह्मास्मि । (કભી કભી લગતા હૈ અપુનીચ ભગવાન હૈ! )
*
અશ્રુધારા વહી રહી છે.. એક જાતક, સાધક બની ગયો...
જ્ઞાનધારા વહી રહી છે.. એક જીવ, આત્મજ્ઞાની બની ગયો...
नमस्कार:।
*
આ સાક્ષાત જોઈને કવિ ના હોય તો પણ મનમાં એક જ શબ્દ આવે “પરમાનંદમ્”
...
આ આનંદની
પરાકાષ્ઠાના વર્ણન પર બનાવેલ વિડીયો...
કમિંગ સૂન
પાર્ટ-3: મોજ v/s આનંદ: ધ
કનક્લૂઝન
આભાર
વૈદ્ય હેમલકુમાર વિ. ડોડીયા, "અક્ષ"
આસિસ્ટન્સ પ્રોફેસર
સરકારી આયુર્વેદ કૉલેજ અને હોસ્પિટલ
વડોદરા
Stay
Connected For More "Stay Healthy"
follow us
on
Instagram: https://instagram.com/hem_aayu
Face Book: https://www.facebook.com/aayushyam
Youtube: https://www.youtube.com/@aayushyam
Blogspot https://aksha7.blogspot.com/

Comments
Post a Comment